મહુવાની આદિવાસી યુવતી એર હોસ્ટેસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.

      

મહુવાની આદિવાસી યુવતી એર હોસ્ટેસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.

કાછલની કેરૂલ ચૌધરીની એર એશિયા એક્સપ્રેસે પસંદગી કરી

હાલમાં તેની પોસ્ટિંગ કુઆલાલપુર ખાતે કરવામાં આવી છે.

 એક સમય હતો જ્યારે આદિવાસી માત્ર ખેતી અથવા ખેત મજૂરી પૂરતા જ સિમિત થઇ ગયા હતા. આ સમાજના જે લોકો આગળ આવતા હતા તે પણ માત્રને માત્ર રાજકારણ અથવા તો તબીબી ક્ષેત્રમાં આગળ આવતા હતાં. પરંતુ હવે એવું રહ્યું નથી. યુવા આદિવાસીઓ દરેક ક્ષેત્રમાં પ્રવેશ મેળવીને સમગ્ર સમાજ અને અંતરિયાળ ગામનું નામ રોશન કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે. અહીંના નાનકડા કાછલ ગામની યુવતીએ ખરેખર જ આસમાન સુધી કહી શકાય તેવી ઊંચી છલાંગ મારી છે. તે એર હોસ્ટેસ બની છે.

મહુવા તાલુકાના એક નાનકડા ગામ કાછલની આદિવાસી યુવતી કેરૂલ પુનિતભાઈ ચૌધરીએ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરતી નામાકિત આંતરરાષ્ટ્રીય કંપની ‘એર એશિયા એક્સ'માં એર હોસ્ટેસ તરીકે નોકરી મેળવી કાછલ ગામ તેમજ ચૌધરી સમાજ અને સમસ્ત આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. કેરૂલે પોતાનો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ઘરેથી પૂર્ણ કરીને ચંદીગઢ ખાતે એક ખાનગી સંસ્થામાં છ મહિનાનો એર હોસ્ટેસનો અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું અને તે સફળતાપૂર્વક પૂર્ણ કરીને દિલ્હી ખાતે ગત માર્ચ મહિનામાં જોબ પ્લેસમેન્ટ ફેરમાં આંતરરાષ્ટ્રીય એવિએશન કંપની ‘એર એશિયા એક્સ'માં એર હોસ્ટેસની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કેરૂલે પોતાના પ્રથમ પ્રયત્નમાં જ ઇન્ટરવ્યૂ પાસ કરી દીધો હતો અને એર એશિયા એક્સ દ્વારા તેને નોકરી માટે પસંદ કરવામાં આવી છે. કેરૂલની પોસ્ટિંગ મલેશિયાનાકુઆલાલમ્પુર ખાતે કરવામાં આવી છે, જ્યાં કેરૂલને એર એશિયા એક્સ દ્વારા બે મહિનાની તાલીમ આપવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં એર હોસ્ટેસ તરીકે કામગીરી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસીઓમાં પણ સૌથી પછાત ગણાતા ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિતે રમત ગમત ક્ષેત્રમાં સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે. તો હવે આ નાનકડા ગામમાં રહીને ઉછરીને મોટી થયેલી તેમજ અભ્યાસ પણ સ્થાનિક કક્ષાએ જ પૂર્ણ કરનાર આ યુવતીએ ઉચ્ચ અભ્યાસ ગામથી હજારો કિલોમીટર દૂર ચંડીગઢ જઇને કર્યો છે અને માતા પિતાનું સપનું પૂર્ણ કર્યુ છે.

Post a Comment

0 Comments