Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની"
નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાશે
આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવનો આશય શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો
રાજપીપલા, સોમવાર :- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રીફિંગને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ બ્રીફિંગને નિહાળ્યા બાદ જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાએ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનારી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના રૂટનું સુવ્યવસ્થિત આયોજન કરવા તેમજ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી નોંધાવવા માટે રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ શિક્ષણલક્ષી યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવાનો છે. જે માટે નર્મદા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સક્રિય અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં ૨૮૧૪ બાળકો, બાલવાટિકામાં ૬૯૫૦, ધો. ૧ માં ૮૦૮૮ ભૂલકાંઓ તેમજ ધો. ૯ માં ૫૫૭૨ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, એસ.આર.પી. ના સેનાપતિ શ્રી એન્ડ્રુ મેકવાન નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. કે. ઉંધાડ, એનાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પિનાકીની ભગોરા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિશાંત દવે સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
0 Comments